કૃષ્ણ પ્રશ્નો (Questions about Lord Krishna)

, , 2 comments


કૃષ્ણ, કૃષ્ણની લીલાઓ અને કૃષ્ણની કથાઓ થી કોઈ પણ અજાણ નથી. છતાં હું માનું છું કે કૃષ્ણ ને સમજવાં ખૂબ કઠિન છે. દરેક વ્યક્તિ કૃષ્ણને પોતાની રીતે સમજી અને પોતાના સ્વાર્થ મુજબ કૃષ્ણનાં ગુણગાન ગાય છે. અરે! કૃષ્ણભક્તિમાં નહિ માનનારા પણ કૃષ્ણ વિશે, રાધા વિશે, એમની સોળહરજાર રાણીઓ વિશે અને રાસલીલા વિશે વાતો કરતા થાકતા નથી. એટલે જ, આજે કૃષ્ણ વિષે કાંઈ કહેવા કરતાં 'કૃષ્ણ પ્રશ્નો' પૂછવાનું મન થાય છે. જો તમારી પાસે જવાબો હોય તો જરૂર આપજો.

જેનો જન્મ જ જેલના બંધનમાં થયો છે એ 'મુકુન્દ' પોતાના જીવનની એક-એક ક્ષણ, મુક્ત પણે કેવી રીતે જીવી શકે છે? (મુકુન્દ = જે મુક્તિ અને દિવ્ય સુખ પ્રદાન કરે છે તે)

કર્તવ્યપાલન માટે યશોદાને છોડી ને ગયેલા 'યદુનંદન' એ, દેવકીને એના મુખમાં બ્રહ્માંડના દર્શન કેમ નઈ કરાવ્યા હોય? (યદુનંદન = યદુવંશમાં જન્મેલાં વાસુદેવના પુત્ર)

પોતાને 'માખણચોર' ની ઓળખ આપનાર ગોપીઓને  'હૃષિકેષ' એ, તેમની સાથે રાસલીલા રચી એમને ભક્તિનું શ્રેષ્ઠ સ્વરૂપ કેમ બનાવી હશે? (હૃષીકેશ = ઇન્દ્રિયોના સ્વામી)

રુક્મણિને પરણી ચૂકેલા 'બંસીધર' એ કૃષ્ણબંસરી નો એ આહલાદક સૂર, ફક્ત રાધા માટે જ કેમ રચ્યો હશે?

'રણછોડ' નું નામ પ્રેમ થી સ્વીકારનાર એ 'દ્વારિકાધીશ' ને 'ગોવિંદ' બની ગાયો ચરાવવી વધારે નહિ ગમી હોય? (ગોવિંદ = ગાયો અને વાછરડાં પ્રત્યે અત્યંત સ્નેહાળ)

ધર્મની રક્ષા એકલા હાથે કરવાને સક્ષમ એ 'ચક્રધારી' ને, સારથી બનીને ગીતાનો બોધ અર્જુનને આપવાનો મોહ કેમ જાગ્યો હશે?

પોતાના દરેક શ્વાસે જે બ્રહ્માંડોનું સર્જન, પાલન અને નાશ કરી શકે છે એ 'પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર' એ  ગાંધારીનો શ્રાપ સહજતા થી કેમ સ્વીકારી લીધો હશે?

કંસ અને શીશુપાલનો જાહેરમાં વધ કરી અને એમને મોક્ષ આપનાર એ 'અચ્યુત' સાવ સામાન્ય શિકારીના હાથે એકલતામાં જીવનનો અંત કેમ લાવ્યા હશે? (અચ્યુત = જેનું પતન કોઈ દિવસ નથી થતું તે)

નરસૈયાની હૂંડી ને સાચી ઠેરાવવાં જે 'શામળિયા શેઠ' બન્યા હતા તે 'હરિ' આજે ઘોર સ્વાર્થ અને અન્યાયના કળિયુગમાં ક્યાં છે? (હરિ = શરણે આવેલાં આત્માઓના સર્વ પ્રકારના દુઃખ હરી લે છે તે)

સુદામા ના તાંદુલ અને વિદુરની ભાજી ને પ્રેમ થી આરોગતા એ 'યોગેશ્વર' ને આપણે છપ્પન ભોગ કેમ ધરાવીએ છીએ? આ તો એ જ 'ગીરિધર' છે ને ... જે મીરા નો પ્રેમથી ધરાવેલો ઝેરનો પ્યાલો પણ સ્વીકારી લે છે? (યોગેશ્વર = જેમનાંમાં અમોઘ ઐશ્વર્ય તથા શક્તિ છે તે)

રાસલીલા અને ચીરહરણ ના દ્રષ્ટાંતને સંપૂર્ણ રીતે સમજ્યા વગર આજે પણ મનમાની કરનારા આપણે, કૃષ્ણની જેમ 'શૂન્ય' બની ને - સંપૂર્ણ માંથી સંપૂર્ણને બાદ કરતાં, સંપૂર્ણ જ બાકી રહે - એવી 'પૂર્ણતા' ક્યારે પ્રાપ્ત કરી શકીશું?

અને આ બધા જ પ્રશ્નોના જવાબ આપી શકનારાં જ્ઞાનીને, મારે એક પ્રશ્ન વધારે પૂછવો છે. - જ્ઞાનનું આ આવરણ જ અંતર-આત્મા ની મુક્તિ કરાવી શ્રીકૃષ્ણમાં લીન થવાં; અવરોધરૂપ તો નહિ હોય ને?

'કૃષ્ણ પ્રશ્નો' માં છુપાયેલાં કૃષ્ણને શોધી શકનાર, કૃષ્ણને સમજવાંનો વ્યર્થ પ્રયત્ન કરવાં કરતાં - કૃષ્ણને પ્રેમપૂર્વક સ્વીકારનાર અને કૃષ્ણના જ વિસ્તારથી સર્જાયેલાં કૃષ્ણનાં તમામ અંશો ને; એક સૂક્ષ્મ જીવનાં 'જય શ્રી કૃષ્ણ' ... ad

Thank you so much Dear Reader, for spending your valuable time. Please share this post to your connections and be a part of Positive Change. Keep Reading...

Your Friend Always...
Amee Darji


PS: More on Lord Krishna

2 comments:

  1. AD, Radha is a fictitious character created and added along with Lord Krishna and then attributed to be used first time by Poet Jaidev; probable 12th Century. So, it is nice to talk about Radha along with Krishna, symbolizing eternal love; but one must also think why the fictitious character was required to be added?

    ReplyDelete